Shalin Manav Ratna Award – 2025
આદરણીય શ્રીમાન પ્રૉફેસર જગદીશ દવે
ગુજરાતી ભાષા અને સાહિત્યના આજીવન વિદ્યાર્થી-સાધક, શ્રીમાન પ્રૉફેસર જગદીશ દવે ૧૯૫૭થી ગુજરાતી ભાષાના અધ્યાપન ક્ષેત્રે પોતાના જીવન-કર્મયોગમાં સમર્પિત છે. ક્રમશ: મહારાષ્ટ્ર અને ગુજરાતની અનેક વિખ્યાત શૈક્ષણિક સંસ્થાઓમાં તેઓશ્રીએ મહત્ત્વની જવાબદારીઓ નિભાવી છે. વિદેશમાં પણ ગુજરાતી ભાષાના પ્રસાર અને પ્રચાર અર્થે તેઓશ્રીનું યોગદાન નોંધપાત્ર છે. લંડનના પ્રતિષ્ઠિત SOAS Language Centre ખાતે ૧૯૮૫થી આજીવન પ્રવૃત્ત રહેનાર પ્રૉફેસર જગદીશ દવેએ વિદેશમાં વસતી ગુજરાતી પેઢી માટે રચનાત્મક પદ્ધતિઓ અને અભ્યાસક્રમો દ્વારા ગુજરાતી ભાષાના શિક્ષણ-પ્રશિક્ષણની નવી દિશાઓ સર્જી છે.
ગુજરાતી ભાષા માટેના તેઓશ્રીનાં સાહિત્યસર્જન અને શૈક્ષણિક પહેલ, અનેક પુસ્તકો તથા સંશોધન પ્રબંધો રૂપે પ્રકાશિત થયાં છે; જેમાં તેઓશ્રીની તટસ્થ દૃષ્ટિ, ભાષાનું સહજ સૌંદર્ય અને સંશોધનનાં ઊંડાણ સ્પષ્ટતરી આવે છે.
વૈશ્વિક સ્તરે ગુજરાતી ભાષા માટે તેઓનાં સરાહનીય યોગદાન બદલ તથા અન્ય વિશેષ સેવાને બિરદાવતાં બ્રિટિશ સરકાર દ્વારા શ્રીમાન પ્રૉફેસર જગદીશ દવે M.B.E. સન્માન સહિત ભારત અને વિશ્વના અનેક દેશોની પ્રતિષ્ઠિત સંસ્થાઓ દ્વારા માન-સન્માન પ્રાપ્ત થયાં છે. તેઓશ્રીએ ગુજરાતી ભાષાનાં વ્યાપ, પ્રશિક્ષણ અને વિકાસ અર્થે કરેલાં પ્રદાન આજની પેઢી માટે પ્રેરણારૂપ છે.
