Shalin Manav Ratna Award – 2022
પરમ આદરણીય શ્રીમતી આનંદીબહેન પટેલ
માનનીય રાજ્યપાલશ્રી, ઉત્તર પ્રદેશ
ગરવા ગુજરાતના કીર્તિમાન અધ્યાયનાં અણમોલ રત્નસ્વરૂપાં માનનીય શ્રીમતી આનંદીબહેને રાજકીય ક્ષેત્રને સાચા અર્થમાં જનસામાન્યની સેવાનું માઘ્યમ બનાવ્યું છે. અનુકંપાસભર હૃદયભાવના સાથે શિક્ષણ, ગ્રામીણ અને શહેરી વિકાસ, જળસંચય, બાળપોષણ, મહિલા ઉત્કર્ષ એવં સશક્તિકરણ, આપત્કાલીન વિધ્નોનાં નિવારણ અને પ્રબંધનમાં સેવાપ્રવૃત્ત રહી તેઓએ નિરપેક્ષભાવની પર-સેવામાં પોતાનું આયખું રાષ્ટ્રને અર્પણ કર્યું છે.
માનનીય રાજ્યપાલશ્રી રૂપે શ્રીમતી આનંદીબહેન પટેલે હાલમાં ઉત્તરપ્રદેશ અને તે પૂર્વે મધ્યપ્રદેશ અને છત્તીસગઢનાં સુચારું વ્યવસ્થા સંચાલન અને પ્રબંધનમાં રત રહી જન સામાન્યની સેવામાં અનોખું પ્રદાન કર્યું છે. ગુજરાત રાજ્યનાં સર્વપ્રથમ ગૌરવવંતાં મહિલા મુખ્યમંત્રી રૂપે સેવાર્પણ કરનાર શ્રીમતી આનંદીબહેન પટેલ મહિલા નેતૃત્વનાં બેનમૂન પ્રતીક બન્યાં છે. તેઓશ્રીએ ગણમાન્ય નેતાઓ સાથે રહી રાજ્ય અને રાષ્ટ્રની સમસ્યાઓને અનુભવી અને તેના યથોચિત યથાસમય નિવારણ માટે હંમેશાં તત્પરતા દાખવી છે. સૌનાં વિશ્વાસ અને પ્રીતિપ્રાત્પ લોકપ્રતિનિધિ રૂપે પણ શ્રીમતી આનંદીબહેન સૌને સહાયરૂપ થવા અહોરાત્ર કટિબદ્ધ રહ્યાં છે.
મૂળ વ્યવસાયે શિક્ષિકા હોવાના અનુભવે ગુજરાત સરકારનાં માનનીય શિક્ષણ મંત્રી રૂપે શ્રીમતી આનંદીબહેને શિક્ષણક્ષેત્રના પ્રશ્નોને અનુભવ અને કુનેહ દ્રારા હલ કરી આપ્યા. તેઓશ્રીએ આરંભ કરાવેલા ‘શાળા પ્રવેશોત્સવ’ અભિયાનને પરિણામે ગુજરાતમાં શિક્ષણદર અને વિશેષતઃ કન્યા શિક્ષણદર નોંઘપાત્ર રીતે વધ્યો. દેશનાં પ્રજાજનોની મુશ્કેલીઓનો સામનો તેઓએ પ્રજાની પડખે ઉભા રહીને કર્યો, અને જટીલતમ પડકારોના ઉકેલ માટે નીડરતાથી ડગ માંડતાં રહ્યાં; તેથી જ, જનતાજનાર્દનનાં તેઓ પ્રીતિપાત્ર બન્યાં છે! શૂરવીર, મહિલા સશક્તિકરણનાં સંપોષક, આદર્શ નેતૃત્વશક્તિનાં મહારથી, અનેક સન્માનોથી અલંકૃત, દષ્ટિવંત સમાજસેવક, રાજકીય ક્ષેત્રે ઉચ્ચતમ્ મુકામ હાંસલ કરનાર પરમ આદરણીય શ્રીમતી આનંદીબહેન પટેલ રાષ્ટ્રની સેવામાં સમર્પિત થવાની ભાવનાનાં અનુપમ પ્રેરક છે.
આદરણીય શ્રીમાન ડૉ. પાર્થિવભાઈ મહેતા
શ્વસનતંત્રને અસર કરતા રોગોની સારવારના કુશળ અને અગ્રણી તબીબ તેમજ સામૂહિક રોગ પ્રસરાવતી ગંભીર બીમારીઓનાં નિયંત્રણના બાહોશ માર્ગદર્શક અને પ્રબંધક શ્રીમાન ડૉ. પાર્થિવભાઈ મહેતા એક ભક્તહૃદયી સેવાપરાયણ સદગૃહસ્થ છે. સેવા અને ફરજપાલનની મહેક સહજ જીવનઆચરણ દ્રારા પ્રસરાવનાર શ્રીમાન ડૉ. પાર્થિવભાઈ મહેતા પ્રત્યેક દર્દી નિરામય પ્રાત્પ કરી શકે તેવી વ્યવસ્થાઓમાં સંવેદનાપૂર્ણ નિસબત ધરાવે છે. તેઓએ અમદાવાદ સ્થિત ‘સેન્ટ્રલ યુનિટેડ હૉસ્પિટલ’ ના માધ્યમથી અસંખ્ય પીડિતોની સફળ સારવાર સુનિશ્ર્વિત કરી છે.
સેવાની પ્રરણામૂર્તિ સમા શ્રીમાન ડૉ. પાર્થિવભાઈ મહેતાએ કોવિડ વૈશ્વિક મહામારીના સમયે અહર્નિશ અથાકપણે અર્પણ કરેલાં પ્રદાન અનુપમ છે. ગુજરાત સરકારના કોરોના નિયંત્રણ કાર્યદળના અગ્રિમ પંક્તિના નિષ્ણાત સભ્ય રૂપે રાજ્યનાં પ્રજાજનોની સેવામાં તેઓનાં યોગદાન બહુમૂલ્ય છે. સદૈવ સેવાનિષ્ઠ શ્રીમાન ડૉ. પાર્થિવભાઈ મહેતાએ આ વિકટ સમયે ડિજિટલ સોશિયલ પ્લૅટફૉર્મ્સ, ટી.વી. ચૅનલ્સ અને રેડિયો દ્રારા જે જનજાગૃતિ પ્રસરાવી તે તેઓના સંવેદનાસભર જીવનનું અપ્રતિમ દર્શન છે. દૈનિક વર્ચ્યુઅલ OPD, ઑનલાઈન હૉમકૅર, સંશોધન, હૉસ્પિટલમાં વ્યક્તિગત સારવાર, ઔષધોપચાર આદિ માધ્યમો દ્રારા દર્દીઓને માર્ગર્શન તથા જરૂરિયાતમંદોને મૅડિકલ ઉપકરણોની સહાય થકી શ્રીમાન પાર્થિવભાઈએ સેવાની જે સરવાણી વહાવી, તે વંદનીય છે.
વૈશ્વિક ખ્યાતિપ્રાત્પ શ્રીમાન ડૉ. પાર્થિવભાઈ મહેતાએ સંપ, સુહૃદભાવ અને એકતાના આદર્શને જીવનમંત્ર બનાવ્યો છે. સંતો અને સેવાભાવી સંસ્થાઓ પ્રત્યે અત્યંત વિનમ્ર ભક્તિસભર સંબંધ ઘરાવનાર ડૉ. પાર્થિવભાઈ મહેતાએ તેઓના તબીબીક્ષેત્રના ત્રણ દાયકાના અનુભવનો બહુમૂલ્ય ઉપયોગ સમાજની સેવામાં કર્યો છે. તેઓની ઊંચી આધ્યાત્મિક ભાવના અને પ્રફુલ્લ માનસ દર્દીઓને તેમનાં દુઃખ વિસરાવી સહજાનંદની અનુભૂતિ કરાવે છે. આવા ભક્તિરૂપ નિઃસ્વાર્થ ઉમદા સેવાકાર્યમાં સતત પ્રયત્નશીલ શ્રીમાન ડૉ. પાર્થિવભાઈ મહેતા ભાવિ તબીબીપેઢીને શિક્ષિત કરી સેવાભાવનાની દીક્ષારૂપી પ્રેરણા પૂરી પાડી રહ્યા છે.
આદરણીય શ્રીમાન ડૉ. ભરતભાઈ દવે
નિપુણ કરોડરજ્જુ વિશેષજ્ઞ શ્રીમાન ડૉ. ભરતભાઈ દવે આધુનિક ઑર્થોપૅડિક શસ્ત્રક્રિયાનાં મહારથી અને સુકીર્તિવાન ચિકિત્સક છે. મેરુદંડના ગંભીર અને જટિલ રોગથી પીડાતા અનેકાનેક દર્દીઓનાં દર્દનાં નિવારણ કરી તેઓનાં સ્મિત શોભાડવામાં તેઓ સહભાગી બન્યા છે. કરોડરજ્જુ ચિકિત્સા ક્ષેત્રે અનેક સિદ્ધિને પ્રાપ્ત શ્રીમાન ડૉ. ભરતભાઈ દવે શીલાવાન અને ધૈર્યવંત સદગૃહસ્થ છે. અર્વાચીન શિક્ષણ મેળવી દેશમાં તેના વ્યાપ વિસ્તારી, આ ક્ષેત્રે આગળ વધતાં વિધાપિપાસુ તબીબોના માર્ગદર્શક ડૉ. દવેએ સંશોધન, શિક્ષણ અને તાલીમ અર્થે મહત્ત્વનાં પ્રદાન કર્યાં છે.
શસ્ત્રક્રિયાના નિષ્ણાત છે, છતાં, તેઓએ સ્વાસ્થ્યલાભ સુનિશ્રિત કરી આપેલ બે લાખ દર્દીઓ પૈકી માત્ર વીસ હજાર દર્દીઓને જ શસ્ત્રક્રિયાથી સારવાર આપી પરંપરાગત ઉપચાર પદ્ધતિને પ્રાધાન્ય આપ્યું છે, જે તેમની પરમાર્થ પ્રતિભામાં દર્શન કરાવે છે. સંતો, જરૂરિયાતમંદો અને આર્થિક પ્રતિકૂળતા ધરાવતા દર્દીઓ પ્રતિ ફરજપાલનના ભાગરૂપે સંવેદનાસભર સેવાની પરિમલ ડૉ. ભરતભાઈ મહેકાવતા રહ્યા છે. ત્રણ દાયકાના તેઓના અનુભવના નિચોડને સર્વસુલભ બનાવી ડૉ. દવેએ ઉદાર હૃદયભાવનાના આદર્શ સ્થાપ્યા છે.
શ્રીમાન ડૉ. ભરતભાઈ દવે અત્યંત શ્રધ્દ્રાવાન અને ઈશ્વરકૃપાના અનુરાગી છે. તેઓના માનવસેવાના સુફલ પ્રયત્નોને પરિણામે અગણિત તત્પજીવોને શાતા પ્રાત્પ થઈ છે. અનેક સન્માનોથી અલંકૃત, આરોગ્યક્ષેત્રે યુવાઓમાં નવોન્મેષપ્રેરનારા ખ્યાતનામ ચિકિત્સક શ્રીમાન ડૉ. ભરતભાઈ દવે નિર્માનીભાવે સેવામાં પ્રવૃત્ત એક ઋષિ સમાન છે. મેરુદંડ સંબંધિત રોગપીડિતોને આનંદપૂર્ણ જીવન પ્રદાન કરવા પ્રતિ સમર્પિત શ્રીમાન ડૉ. ભરતભાઈ દવેની સહકારભાવના પણ અજોડ છે. શાલીનતાના સાકારરૂપ, નવતર ચિકિત્સા પ્રયોગ દ્રારા સુસ્વાસ્થ્ય પ્રદાતા, આરોગ્યતક્ષેત્રે અવિરત સેવાપ્રવૃત અને શીર્ષસ્થ સિદ્ધિઓના સ્વામી એવા શ્રીમાન ડૉ. ભરતભાઈ દવે એક પ્રેરણાદાયી વ્યક્તિત્વની પ્રતિમા છે.
આદરણીય શ્રીમાન પ્રદીપ ખોડીદાસ ઘામેચા
તેજસ્વી, ઉદાર અને સહૃદયી શ્રીમાન પ્રદીપ ઘામેચા યુ.કે. સ્થિત ગૌરવવંત ભારતીય સમાજમાં એક બહુમુખી પ્રતિભા છે. વ્યાપાર અને વાણિજ્ય ક્ષેત્રના નિષ્ણાતો માટે તેઓ એક આર્દશ કર્મયોગી છે. અનેક ક્ષેત્રે ઊંડી સૂઞ, સમજ અને નિસબત રાખી સમાજજીવનમાં હકારાત્મક અને ઊર્ધ્વગામી પરિવર્તનોના દ્યોતક શ્રીમાન પ્રદીપભાઈ અનેકના રાહબર બન્યા છે.
સમાજ ઉત્થાન તથા વિકાસનાં સેવાકાર્યો માટે દાનની અસ્ખલિત ધારા વહાવી વિશ્વસમસ્તમાં અનેક જરૂરિયાતમંદ માનવીને મદદરૂપ બની પુણ્યની કમાણી કરનાર શ્રીયુત પ્રદીપભાઈને મન સેવા એ જીવનનું સર્વોપરી ભક્તિરૂપ સાધન છે.
‘લાડુમા ધામેચા ચૅરિટેબલ ટ્રસ્ટ’, ‘લોહાણા ચૅરિટેબલ ફાઉન્ડેશન’ના માધ્યમથી તથા વિશ્વવ્યાપી સમાજસેવા કરતી અનેક સંસ્થાઓને ઉદારતાપૂર્વકદાન અર્પણ કરી શ્રી પ્રદીપભાઈ માનવતાની મહેકને પ્રસરાવી રહ્યા છે. જરૂરિયાતમંદ વ્યક્તિઓ માટે તેઓશ્રી સદાય આશાના કીરણ સમાન બની રહ્યા છે.
ઈંગ્લૅન્ડમાં ગ્રોસરીના ઉદ્યોગમાં અગ્રેસર શ્રીમાન પ્રદીપભાઈ ધામેચા અત્યંત ભક્તિસભર હૃદય ધરાવે છે. શ્રી વલ્લભનિધિ સંસ્થાના ટ્રસ્ટી રૂપે સેવાપ્રવૃત્ત શ્રીમાન પ્રદીપભાઈ શ્રી ઠાકોરજી તથા વૈષ્ણ વભક્તજનોમાં પ્રેમ અને આશીર્વાદના પાત્ર બન્યા છે. શ્રીમાન પ્રવીણભાઈનું જીવન નિઃસ્વાર્થ સમાજસેવા દ્વારા નવી પેઢી માટે આદર્શરૂપ બન્યું છે.