Shalin Manav Ratna Award – 2020


January 8, 2020
શ્રીમાન દેવાંગભાઈ રમેશભાઈ પટેલ

નિરપેક્ષ સમાજ સેવક, દાનવીર શ્રેષ્ઠી શ્રીમાન દેવાંગભાઈ રમેશભાઈ પટેલ સર્વ સમાવેશી અને સર્વગ્રાહી વ્યક્તિત્વના ઘણી છે. માતા-પીતા દ્વારા વવાયેલાં આદર્શ સેવા અને ભક્તિનાં સંસ્કારબીજને પરિણામે, આજે શ્રીમાન દેવાંગભાઈએ શિક્ષણ, આરોગ્ય, સમાજ અને અધ્યાત્મક્ષેત્રે બહુઆયામી વિકાસ પ્રવૃત્તિઓ હાથ ધરી છે, જેના ફળ સ્વરૂપે અગણિત તપ્તજીવોને શાતા પ્રાપ્ત થઈ છે.
ગુરુઆજ્ઞાને જીવનના કેન્દ્રમાં રાખી શ્રીમાન દેવાંગભાઈ અત્યંત શ્રદ્ઘા શાથે ઈશ્ર્વરકૃપાના અનુરાગી છે. કરુણાસભર પ્રેમાળ હ્રદયી શ્રીમાન દેવાંગભાઈની નિઃસ્વાર્થ સેવાથી પીડાથી સંકોચાયેલા અસંખ્ય ઓષ્ઠ પર સંતોષભર્યું, આનંદસભર સ્મિત રેલાયું છે.

તેઓશ્રીના માનવસેવાના સુફલ પ્રયત્નોને બિરદાવતાં સમાજ અને તેઓશ્રીએ અનેક વખત વિશેષ સન્માનોથી વિભૂષિત કર્યા છે. તેઓશ્રીનાં માર્ગદર્શને કાર્યરત ‘ઈપ્કોવાલા ચેરિટેબલ ટ્રસ્ટ’ દ્રારા વહેતી જનસેવાની સરવાણી એ સેવા-ભક્તિની અજોડ કહાણી છે. સંપ્રદાયની ક્ષિતિજોને ઓળંગી જનના મનમાં વસેલા પ્રભુની સેવાની આરત તેઓશ્રી સતત ઉતારી રહ્યા છે.
દીર્ઘદષ્ટા, વ્યવહારકુશળ, ઉદ્યોગસાહસિક, ઉદ્યમી અને કાર્યદક્ષ શ્રીમાન દેવાંગભાઈ ઉદ્યોગ અને વ્યાપાર શ્રેત્રે વિશ્વસ્તરે સુપ્રસિદ્ધ છે. અનેક સન્માનોથી અલંકૃત, સંસ્કાર વિભૂષત, ભક્તિપરાયણ, પ્રખર દાની, સૌના સુહ્રદ શ્રીમાન દેવાંગભાઈ સેવાના મૂર્તિમાન સ્વરૂપ છે.

શ્રીમાન પ્રયાસ્વિનભાઈ ભાનુભાઈ પટેલ

ઉદ્યોગક્ષેત્રે ચરોતરને સુપ્રસિદ્ધ કરનાર “એલિકોન ઈન્ડસ્ટ્રિઝ” ના સ્થાપક આદરણીય શ્રીમાન ભાનુભાઈ પટેલ અને સુશ્રી મધુબહેન પટેલના આદર્શ સુપુત્ર શ્રીમાન પ્રયાસ્વિનભાઈ વિકાસપ્રતિભા છે. કુશળ અગ્રણી ઉદ્યોગપતિ તરીકે ખ્યાતી પામનાર શ્રીમાન પ્રયાસ્વિનભાઈના સહયોગથી અગણીત સેવાકાર્યો અવિરત થઈ રહ્યાં છે. તેઓશ્રી સ્વયં પણ સમાજ સાથે જોડાયેલા રહીને સૌના સર્વાંગી વિકાસ અર્થે અમૂલ્ય સહકાર પ્રદાન કરે છે.
સેવા અને સંસ્કારની મહેક પ્રસરાવતા સમન્વયના પ્રેરણાદાયી દષ્ટાંત શ્રીમાન પ્રયાસ્વિનભાઈ અત્યંત ગુણી હોવા છતાં, સદૈવ ગુણગ્રાહ્ય દષ્ટિ રાખી વિનમ્રતાપૂર્ણ વ્યવહારથી સહજ સૌના પ્રિય પાત્ર બન્યા છે. કળા, શિક્ષણ, રમત-ગમત, વિજ્ઞાન અને ટેકનોલોજી, મહિલા ઉત્કર્ષ તથા આરોગ્યક્ષેત્રે યુવાઓને પ્રેરણા આપી શ્રીમાન પ્રયાસ્વિનભાઈએ સશક્ત સમાજના ઘડતરનાં સ્વપ્નો સેવ્યાં છે, અને તેને પોષણ પણ આપ્યાં છે. યુવાઓમાં નવોન્મેષ પ્રેરનારા શ્રીમાન પ્રયાસ્વિનભાઈએ રોજગાર અને કૌશલ્યનાં વર્ધન કરી સશક્ત યુવાસમાજની રચનામાં અદભુત પ્રદાન કર્યાં છે.
એશિયામાં ગિઅર ક્ષેત્રે નામાંકિત ખ્યાતનામ કંપની – એલિકોન ઈન્ડસ્ટ્રિઝના અધ્યક્ષ અને પ્રબંઘક નિયામક તેમજ અનેક નાના-મોટા ઔદ્યોગિક પ્રકલ્પોની જવાબદારી સંભાળતા હોવા છતાં, વિનમ્રતાથી સેવાકાર્ય કરવા શ્રીમાન પ્રયાસ્વિનભાઈ સદા તત્પર રહે જ છે; વળી, આ સેવાકાર્યો માટે જરૂર સમય પણ ફાળવે છે. વલ્લભવિદ્યાનગર સ્થિત ચારુતર વિદ્યામંડળના પ્રમુખપદને શોભાડતા શ્રીમાન પ્રયાસ્વિનભાઈ શિક્ષણ અને કેળવણીની વ્યવસ્થાને સુચારુ ઓપ આપવા પ્રયત્નશીલ છે. સશક્ત નેતૃત્વ અને અજોડ કાર્યદક્ષતા દ્નારા સમાજસેવા અને ઔદ્યોગિક ક્ષેત્રે બહુઆયામી વિકાસ સાધી ચરોતરના રત્નરૂપ શ્રીમાન પ્રયાસ્વિનભાઈએ વાતા-પિતાનાં નામ અને કામને તેમજ તેઓ થકી પ્રાપ્ત થયેલા સંસ્કારને દીપાવી એક આદર્શ સ્થાપ્યો છે.

સુશ્રી મૌનાબહેન ઉદયનભાઈ પટેલ

કુષ્ઠરોગ પીડીતોને નિરામય આનંદસભર જીવન પ્રદાન કરવા પ્રતિ સમર્પિત સમાજસેવિકા, નારાયણી પ્રતિભા સુશ્રી મૌનાબહેન બહુગુણસંપન્ન છે! અશક્ત માનવજનનાં સશક્ત આશ્રયરૂપ, સેવાનિષ્ઠ મૌનાબહેને સેવા અને સમર્પણની મહેક તેઓના સહજ જીવન આચરણ દ્રારા પ્રસરાવી છે.
ભક્તિરૂપ સેવાને પૂજા ગણી દર્દીઓની સારસંભાળ જ્યાં લેવાય છે, તેવા વડોદરાના સિંધરોટમાં કાર્યરત ‘શ્રમમંદિર’માં રક્તપિત્તનાં તપાસ, નિદાન, સંરક્ષણ અને પુનર્વસન માટે સુશ્રી મૌનાબહેન ધૂણી ધખાવીને બેઠાં છે. ‘શ્રમમંદિર ટ્રસ્ટ’ના સંસ્થાપક અને સંબંધે સસરા એવા શ્રીમાન ઈન્દુભાઈ સી. પટેલ અને પતિદેવ શ્રી ઉદયનભાઈના દેવલોક સિધાવ્યા બાદ તેઓના સેવારૂપ સંસ્કારવારસાને દીપાવી સુશ્રી મૌનાબહેને આદર્શ સ્થાપ્યો છે. અનેકોને શાતા પમાડવાનું પુણ્યશાળી કાર્ય તેઓ થકી અવિરત થઈ રહ્યું છે.
રક્તપિત્ત પીડિતોથી મુક્તદેશના નિર્માણનું સ્વપ્ન સેવી પ્રત્યેક દર્દી નિરામય સ્વાસ્થય પ્રાપ્ત કરી શકે તેવા પ્રબંધનમાં રત સુશ્રી મૌનાબહેન ભક્તિહ્રદયી છે. પીડિતજનને અંધશ્રદ્ધાથી રહિત કરી, ઈશ્વરપરાયણ બનાવી, બળ પૂરવાનું ભગીરથ કામ પ્રેમના આઘારે તેઓએ સરળ કર્યું છે. જન જન સુધી પહોંચી, ગામડાંઓ ખૂંદી, તેઓશ્રીએ અનુકંપાભર્યું વાત્સલ્ય વહાવ્યું છે. સેવાની મૂરત સમા સુશ્રી મૌનાબહેને શિક્ષણ અને સંસ્કારસિંચનનું જંગમ સેવાકાર્ય પણ ઉપાડ્યું છે. જરૂરિયાતમંદોને બે ટંકનું પૌષ્ટિક ભોજન પ્રાપ્ત કરાવવાથી લઈ દુઃખ વિસરાવે તેવા આનંદને રેલાવવાનું ભક્તિરૂપ કાર્ય તેઓ દ્વારા થઈ રહ્યું છે, જે તેઓના નિઃસ્વાર્થ ઉમદા સેવાપ્રયત્નોનાં સહજ દર્શન કરાવે છે. શ્રમમંદિરનાં મંત્રી સ્વરૂપે સેવારત સુશ્રી મૌનાબહેને શ્રમસેવા અને શ્રમભક્તિ દ્વારા હ્રદયને મંદિર કરવાની સાધનાયાત્રા આરંભી છે તે વંદનીય છે!

શ્રીમાન સુરેન્દ્રભાઈ મોહનલાલ પટેલ

મૂળ ખંભાતના અને વર્તમાન સમયે બેંગકોકમાં સ્થાયી થયેલા શ્રેષ્ઠ રત્નકાર શ્રીમાન સુરેન્દ્રભાઈ મોહનલાલ પટેલ સમાજ અને દેશ માટે પ્રેરણામૂર્તિ છે. બેંગકોકમાં વસતા ભારતીય સમાજમા મોખરે રહી શ્રીમાન સુરેન્દ્રભાઈએ વ્યવસાયક્ષેત્રે અનેક સિદ્ધિ હાંસલ કરી છે. સાથે સાથે, પોતાના દેશ અને સ્વજનો પ્રત્યે પ્રેમ અને સહકારની ભાવના પણ એટલી જ ઊંડી રીખી છે. પરદેશમાં વસવા છતાં ભારતના વિકાસનાં કાર્યો પ્રત્યે તેઓશ્રી સદૈવ તેઓનો સહકાર પ્રદાન કરતા રહ્યા છે. ઉદાર દાતા, ઉદ્યમી અને સાહસિક શ્રીમાન સુરેન્દ્રભાઈએ સ્વ-મહેનતે સ્વનિર્ભર જીવન ઘડ્યું છે, જેની ગાથા પણ અત્યંત પ્રેરણાદાયી છે.
શ્રી સ્વામિનારાયણ ભગવાન અને સંતોને ઈષ્ટદેવ સ્વરૂપે સ્વીકારી બેંગકોકમાં તેઓએ સ્વામિનારાયણ સંપ્રદાયની અસ્મિતાને ઉજાળી છે. શ્રીમાન સુરેન્દ્રભાઈ પંચધાતુ-સુવર્ણની મૂર્તિ ઘડવાના મહારથી છે. દિલ્લી સ્થિત અક્ષરધામની મૂર્તિઓનાં રમ્ય દર્શન સમસ્ત વિશ્વને કરાવવાનો શ્રેય પણ તેઓશ્રીને જ જાય છે. નાની ઉંમરે પિતાશ્રીની નિશ્રામાં સમસ્ત જવાબદારીનો ભાર સ્વીકારી આદર્શ પુત્ર તરીકે, ગૃહસ્થાશ્રમને દિવ્ય બનાવી આદર્શ પતિ તરીકે, અધ્યાત્મના સંસ્કારવારસાનું સિંચન કરી આદર્શ પિતારૂપ શ્રીમાન સુરેન્દ્રભાઈ પ્રેરણાદાયી વ્યક્તિત્વ છે.
સેવા, સંતકૃપા અને સ્વાશ્રય દ્રારા સમૃદ્ધ શ્રીમાન સુરેન્દ્રભાઈએ ભારતીય સંસ્કૃતિને પરદેશમાં પણ જાળવી રાખવાનું અને તેના પ્રસારનું ભક્તિરૂપ કાર્ય કર્યું છે. મિત્રવત્સલ શ્રીમાન સુરેન્દ્રભાઈની શાલીનતા અને સ્વીકારેલાં કાર્યને પૂરતો ન્યાય આપવાની તેઓશ્રીની નિષ્ઠા સહજ જ દાદ માંગી લે તેવી છે. બેંગકોકના જેમ્સ એડ જ્વેલરી એસોસિયેશનના પ્રમુખ પદને તેઓશ્રીએ શોભાડ્યું છે. સંપ્રદાય કે સમાજના ભેદમાં પડ્યા વિના તેઓ સૌને મદદરૂપ થવા તત્પર રહે છે. આર્થિક મુશ્કેલી ધરાવતા સમાજના વ્યક્તિઓને દીકરીનાં લગ્ન નિમિત્તે સાનુકૂળતા કરી આપી અનેક માવતરની હાશ તેઓએ મેળવી છે. શ્રીમાન સુરેન્દ્રભાઈનું જીવન યશના લોભથી પર રહી તેઓશ્રીનું આગવી ઓળખરૂપ બન્યું છે!

શ્રીમાન પ્રવીણભાઈ તલકશીલભાઈ કોટક

ઉદ્યોગ અને અધ્યાત્મ એ શ્રીમાન પ્રવીણભાઈના જીવનનાં બે પાસાં ! આત્મવિશ્વાસ અને શૂરવીરતાના સહારે જીવનમાં અનેક આયામો સર કરનાર શ્રીમાન પ્રવીણભાઈ આંતરરાષ્ટ્રીય શ્રી લોહાણા મહાપરિષદના પ્રમુખ છે. આધુનિક બાંધકામ ક્ષેત્રે સુવિખ્યાત ઈસ્કોન ગૃપના તેઓશ્રી પ્રમુખ છે. શ્રીમાન પ્રવીણભાઈ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના પૂર્વ પ્રમુખ રહ્યા છે, અને શ્રી ભાગવત વિદ્યાપીઠ, સોલાના ટ્રસ્ટીરૂપે સેવાપ્રવૃત્ત છે.
ઉદ્યોગમાં પણ ભક્તિની ભાવના રાખી સુંદર નગરના નિર્માતા શ્રીમાન પ્રવીણભાઈ પૂજ્ય સંતો અને મહાત્માઓ પ્રત્યે ઊંડી શ્રદ્ધા ધરાવે છે. શ્રી રામકથા અને શ્રીમદ્ ભાગવતજીનાં પારાયણોનાં આયોજન કરી, સમાજના છેવાડાના માનવીને – અને ખાસ તો ભક્તિપરાયણ શ્રદ્ધાળુઓને ભગવાનના મહિમાથી સભર કરવાનું કલ્યાણકારી કાર્ય તેઓ અવિરત કરે છે. અંબાજી મંદિરની કાયાપલટ, વિકાસ અને અંબાજી ગામને સ્વચ્છ કરવાના મહાકાર્યમાં તેઓશ્રીનું બહુમૂલ્ય યોગદાન છે. જનસામાન્યની સેવા અર્થે શ્રીમાન પ્રવાણભાઈએ સમાજસેવાના અનેક પ્રકલ્પો માટે સિંહફાળો પ્રદાન કર્યો છે.
સામાન્ય જન કે ભગવદ્ ભક્તિ કરતા મુમુક્ષુઓ પ્રત્યે અનુકંપા રાખી મદદ કરવામાં અગ્રેસર શ્રીમાન પ્રવીણભાઈ આગવી ઓળખ ધરાવે છે. સમાજસેવા અને વિકાસશીલ નિર્માણમાં પ્રવૃત્ત શ્રીમાન પ્રવાણભાઈ અમિત ગૌરવશાળી સન્માનોથી વિભૂષિત થયા છે. સંતોનાં વચનમાં અપ્રતિમ શ્રદ્ધા સેવતા શ્રીમાન પ્રવીણભાઈ આદર્શ ભક્ત છે! સૌ સાથે તેઓશ્રીનો સૌહાર્દભર્યો વ્યવહાર સૌને તેઓ પ્રતિ સહજ આકર્ષિત કરે છે. સૌની મદદ માટે તત્પર એવા શ્રીમાન પ્રવીણભાઈ ભક્તિ એને શક્તિના વિશિષ્ટ સંગમરૂપ છે !

READ MORE

Signup for e-Newsletter