Shalin Manav Ratna Award – 2018
આચાર્ય શ્રી બાલકૃષ્ણજી
આયુર્વેદના પ્રખર તજજ્ઞ, રાષ્ટ્રીય ગૌરવ ઋષિવર્ય આચાર્ય શ્રી બાલકૃષ્ણજી આયુર્વેદિક ઉપચાર, પર્યાવરણ સંવર્ધન, યોગ અને સ્વદેશીકરણના સમર્પિત મહાવિભૂતિ છે.
તેઓશ્રીએ ભારતના આયુર્વેદિક જ્ઞાનને જનહિત અર્થે સુલભ કરી અસંખ્ય માનવોને નિરામય સ્વાસ્થ્ય અને સંવાદિતાપૂર્ણ જીવનશૈલી પ્રાપ્ત કરાવી છે.
આચાર્ય શ્રી બાલકૃષ્ણજીએ આયુર્વેદ સિદ્ધાંત રહસ્ય, આયુર્વેદ જડીબુટ્ટી રહસ્ય, ભોજન કૌતુહલમ્, આયુર્વેદ મહોદધિ, અર્જીણામૃત મંજરી, વિચારક્રાંતિ આદિ ગ્રંથોની રચના દ્વારા ભારતીય વૈચારિક તથા સર્વાંગી જીવનદર્શનને વિશ્ર્વ માટે સુલભ બનાવ્યું છે.
યોગઋષિ પરમ પૂજ્ય બાબા શ્રી રામદેવજીની સાથે તેઓના એક આદર્શ કર્મયોગી રૂપે આચાર્ય શ્રી બાલકૃષ્ણજીએ પતંજલિ વિશ્ર્વવિદ્યાલયના કુલપતિરૂપે; દિવ્ય યોગ મંદિર ટ્રસ્ટના મહાસચિવ રૂપે તથા પતંજલિ રિસર્ચ ફાઉન્ડેશનના મહાસચિવ સહિત અનેક જવાબદારીઓ સુપેરે અદા કરી છે.
ગુણવત્તાસભર ખાદ્યસામગ્રી અને રોજબરોજના જીવનમાં સામાન્ય માણસોને ઉપયોગી અનેક રોજિંદા વપરાશની વસ્તુઓને જનસામાન્ય માટે અત્યંત વાજબી દરે સ્વદેશી નિર્માણના પાયા પર સુલભ બનાવવામાં યોગવિભૂતિ બાબા શ્રી રામદેવજી સાથે આચાર્ય શ્રી બાલકૃષ્ણજીનો અપ્રતિમ સહયોગ છે. અનેક સન્માનોથી અલંકૃત આચાર્ય શ્રી બાલકૃષ્ણજી એક સાધુ રૂપ, કર્તવ્યપરાયણતા અને વિનમ્રતાની સાકાર મૂર્તિરૂપ ઋષિપુરુષ છે; ભારતના પ્રેરણાદાયી ગૌરવ છે.
સુશ્રી રમીલાબહેન ગાંધી
મહાયોગી શ્રી અરવિંદ અને મહાત્મા ગાંધીજીના સિદ્ધાંતોને વ્યક્તિગત જીવનઆચરણ દ્વારા પ્રેરણારૂપે મહેકાવતાં સુશ્રી રમીલાબહેન ગાંધી નારાયણી પ્રતિભા છે !
માનવમાત્રની પીડા પ્રતિ સંવેદનશીલ સુશ્રી રમીલાબહેન ગાંધીએ મહેસાણા જિલાના સિદ્ધપુર તાલુકાના ગણેશપુરા ગામમાં યોગાંજલિ આશ્રમ સ્થાપી સર્વજનહિતાય તથા સર્વજનસુખાય એવા સેવાયજ્ઞનો આરંભ કર્યો છે. આ મહાસેવાયજ્ઞમાં કરુણા, અનુકંપા અને વાત્સલ્ય સાથે સુશ્રી રમીલાબહેને શિક્ષણ, આરોગ્ય તથા સ્ત્રીસશક્તિકરણ અર્થે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કર્યું છે. કુદરતી વિપત્તિઓથી પીડિત જનસમુદાય હોય, કે સમાજથી તરછોડાયેલાં કુમાર, કન્યા કે બહેનો હોય, સુશ્રી રમીલાબહેને સૌ પીડિત માનવોનાં સર્વથા કલ્યાણ અર્થે અનેક આયોજનો દ્વારા પરપીડાને નિવારવા સુફલ પ્રયત્નો કર્યા છે.
અનેક પ્રકારની વિકટ પરિસ્થિતિઓમાં પણ અન્ય કોઈ પાસે અપેક્ષા રાખ્યા વિના હસતા હોઠે અને હૈયે પરમાત્માના બળે સુશ્રી રમીલાબહેને જનસેવાને જ પ્રભુસેવા માની એક આદર્શ નારાયણી પ્રતિભાને સહજ સિદ્ધ કરી છે.
પગપાળા ગામોગામ વિચરણ કરી લોકજાગૃતિ દ્વારા અંતરિયાળ ગામડાંઓમાં મૂલ્યનિષ્ઠ પ્રાથમિક શિક્ષણ ઉપલબ્ધ કરાવી વિદ્યાર્થીઓના જીવનઘડતરમાં સુશ્રી રમીલાબહેને મહત્ પ્રદાન કર્યું છે. મહિલા રોજગાર, જરૂરિયાતમંદોને અન્નવિતરણ, સર્વાંગી બાળઉછેર માટે માતાઓને પ્રશિક્ષણ, કુદરતી આપત્તિઓથી પીડિત જનસામાન્યને સહાયતા તથા યુવાનોને સ્વમાનસભર ઊર્ધ્વગામી જીવનની પ્રેરણા આપનારાં સુશ્રી રમીલાબહેન સૌ માટે એક વત્સલ જનની રૂપ વ્યક્તિત્વ છે. ભગવદ્ભક્તિ અને સેવાપરાયણતા સાથે સમર્પણની સુગંધ ભળતાં સુશ્રી રમીલાબહેનનું જીવન એક વંદનીય પ્રેરણારૂપ બન્યું છે.
ડૉ. તેજસભાઈ નાયક
બહુગુણસંપન્ન, પ્રતિભાશાળી બાળસ્વાસ્થ્ય તજજ્ઞ ડૉ. તેજસભાઈ નાયકે સેવાને ધર્મ માન્યો છે ! દુર્ભાગ્યવશ કોઈ ક્ષતિથી ગ્રસ્ત નવજન્મ ધારણ કરનારાં ૨૦૦૦થી વધુ શિશુઓની સફળ શસ્ત્રક્રિયા દ્વારા હજારો દંપતીઓના આંગણે આનંદસભર માધુર્યને પ્રગટાવવામાં ડૉ. તેજસ નાયક એક સફળ ડૉક્ટર રૂપે વંદનીય નિમિત્ત રહ્યા છે.
ગ્રામીણ વિસ્તારોમાં બાળસ્વાસ્થ્ય સંભાળ, કુપોષણ નિવારણ અને આરોગ્યલક્ષી માર્ગદર્શન આપી ડૉ. તેજસ નાયકે તેઓશ્રી દ્વારા આયોજિત ’ચાઇલ્ડ હૅલ્થ ઇનિશિએટીવ’ના માધ્યમથી સમાજસેવામાં આ ભગીરથ કાર્યને વિસ્તાર્યું છે. પ્રત્યેક માસમાં ત્રણ દિવસ આધુનિક સુવિધાઓથી વંચિત અંતરિયાળ ગામડાંઓમાં રોકાઈ સેંકડો બાળકોનાં પરીક્ષણ, રોગનિદાન અને સ્વાસ્થ્યજતનનાં અત્યંત મહત્ત્વપૂર્ણ સેવાકાર્યોને ડૉ. નાયકે પૂર્ણ અનુકંપા અને સમર્પણથી સુફળ બનાવ્યાં છે.
વિગતનાં અનેક વર્ષોમાં અનેક અંતરિયાળ વિસ્તારોમાં જઈને ૩૫૦૦૦થી વધુ બાળકોને ડૉ. નાયકે સ્વાસ્થ્યલાભ સુલભ બનાવ્યો છે. ભારતના પૂર્વ પ્રધાનમંત્રીશ્રી અક્ષરનિવાસી માનનીયશ્રી ગુલઝારીલાલ નંદાજીના વારસદાર રૂપે ડૉ. તેજસ નાયકે પૂજ્ય નંદાજીના સંસ્કારવારસાને જીવંત રાખી વિશેષ સમૃદ્ધ બનાવ્યો છે.
પોતાની શૈક્ષણિક કારકિર્દીમાં ૧૧ સુવર્ણચંદ્રકો હાંસલ કરનાર ડૉ. તેજસ નાયકે વિગતના ત્રણ દાયકાઓથી પણ વધુ સમય દરમિયાન અનુસંધાન તથા શિક્ષણ-પ્રશિક્ષણ દ્વારા પોતાના કૌશલ્યસભર જ્ઞાનનો વિદ્યાર્થીઓ તથા તજજ્ઞો સાથે સરાહનીય સહભાગ કર્યો છે.
બાળસ્વાસ્થ્ય સંવર્ધન દ્વારા અનેક પરિવારોમાં આનંદસભર પરિપૂર્ણતાના પોષક ડૉ. તેજસ નાયક સમાજ માટે એક પ્રેરણાદાયી અને વંદનીય સેવાનાયક છે.